ચૈતર વસાવાને જેલમાં કેજરીવાલ-ભગવત માન જ મળી શકશે

રાજપીપળા, તા.૬

ડેડીયાપાડાના ધારાસભ્ય ૧૮ મી ડીસેમ્બરથી રાજપીપળા જેલમાં છે.ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ચૈતર વસાવાના સમર્થનમાં આજે (૭/૦૧/૨૦૨૪) ના રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જાહેરસભાને સંબોધશે.બાદ બીજે દિવસે એટલે કે ૮ જાન્યુઆરીએ બન્નેવ રાજયોના મુખ્યમંત્રીઓ રાજપીપળા જેલ ખાતે ચૈતર વસાવાને મળવા પણ આવવાના છે.જેને પગલે નર્મદા અને ભરૂચ જિલ્લાની પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.તો એમ કહી શકાય કે આ ફકત ગુજરાતની જ નહિ પણ દેશની એવી પેહલી ઘટના હશે કે બે રાજયોના મુખ્યમંત્રી પોતાના ધારાસભ્યને જેલમાં મળવા આવી રહ્યા છે.આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ, ભગવત માન, તથા ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા અથવા ચૈતર વસાવાના પરિવારના ૨ સભ્યો માંથી કોઈ પણ ૪ લોકોને ચૈતર વસાવાને મળવા રાજપીપળા જેલ પ્રશાસન પાસે મંજુરી માંગી હતી.જેની સામે રાજપીપલા જેલ પ્રશાસન દ્વારા કોઈ પણ ૨ વ્યક્તિને મળવાની મંજૂરી આપી હોવાથી આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલ અને ભગવત માનનું નામ નક્કી કરાયું છે.જેલમાં મળવા માટેનો સમય સવારે ૯ થી બપોરે ૧૨ સુધીનો છે, તો એ સમય દરમ્યાન ૨૦ મિનિટ માટે કેજરીવાલ અને ભગવત માનને ચૈતર વસાવાને મળવાની મંજુરી આપવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ તથા ભગવત માનનુ ગુજરાત મુલાકાતના વડોદરા એરપોર્ટ ખાતે ૭ મી જાન્યુઆરીએ સવારે આગમન થશે, ત્યાથી તેઓ મોટર માર્ગે નેત્રંગ આવી બપોરે ૧ કલાકે જાહેરસભાને સંબોધી સાંજે ૭ કલાકે વડોદરા ખાતે પ્રદેશ આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમિક્ષા બેઠક યોજશે અને વડોદરા ખાતે જ રાત્રી રોકાણ કરશે.અને બીજે દિવસે સવારે ૧૧ વાગે રાજપીપલા જેલ પર ચૈતર વસાવાની મુલાકાત લીધા બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.

કેજરીવાલ ભ્રમમાં છે, ગુજરાતમાં લોકસભામાં વધુ બેઠકો જીતીશું એવું માનીને નેત્રંગ આવી રહ્યા છે : મનસુખ વસાવા

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સયુંક્તરીતે રેલી- જાહેરસભાને સંબોધન કરવાના છે તે અગાઉ જ તેઓની પર ભાજપા દ્વારા આક્ષેપોનો મારો શરૂ થયો છે. આ બંને મુખ્યમંત્રીની મુલાકાત સંદર્ભે ભાજપા સાંસદ મનસુખ વસાવાએ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે ગુજરાતમાં લોકસભાની વધુ બેઠક જીતીશું એવા ભ્રમમાં ચૈતર વસાવાનો મુદ્દો લઈ કેજરીવાલ નેત્રંગ આવી રહ્યા છે અને આવા ખોટા શક્તિપ્રદર્શન કરવાથી એમને કાંઈ મળવાનું નથી.

મનસુખ વસાવાએ અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને કોર્ટ રાહે છોડાવવાની જગ્યાએ શકિત પ્રદર્શન કરે છે, આ એક રાજકીય સ્ટંટ છે.આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પાર્ટીને મજબુત કરવા અને પ્રચાર કરવા ચૈતર વસાવાનું નામ લઈ કેજરીવાલ નેત્રંગ આવી રહ્યા છે.કેજરીવાલે દિલ્હીમાં પણ શક્તિ પ્રદર્શન કર્યું તે છતાં મનીષ સિસોદિયા અને સંજય સિંગને જેલ માંથી છોડાવી શક્યા નથી તો ચૈતર વસાવાને કેવી રીતે છોડાવશે.ભરૂચ લોકસભા થકી ચૈતર વસાવાનો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવાનો અરવિંદ કેજરીવાલનો ઉદ્દેશ્ય છે.અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના નામે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.આવી ખોટી નીતિને લીધે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બિલકુલ ફાવશે નહી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution