યુપી એસટીએફની ટીમે એક લાખનું ઈનામ ધરાવતાં ગેંગસ્ટર સહિત ૪ને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા


શામલી:ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મોડી રાત્રે મોટું એન્કાઉન્ટર થયું હતું. સોમવારે રાત્રે ૨ઃ૩૦ વાગ્યાની આસપાસ યુપી એસટીએફની મેરઠ ટીમે શામલીના ઝીંઝાના વિસ્તારમાં મુસ્તફા કગ્ગા ગેંગના બદમાશોની ઘેરાબંધી કરી હતી. દરમિયાન સામ-સામે ફાયરિંગમાં એક લાખના ઈનામી અશરદ સહિત ૪ બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. બીજી તરફ એસટીએફના ઈન્સ્પેક્ટર સુનીલ કુમારને પણ ગોળીઓ વાગી છે. બદમાશો પાસેથી મોટી માત્રામાં હથિયારો રિકવર કરાયા છે.

એસટીએફ મેરઠ ટીમે શામલીના ઝિંઝાના ક્ષેત્રમાં મુસ્તફા કગ્ગા ગેંગના સભ્યો કારમાં સવાર હતાં ત્યારે ઘેરી લીધા હતા. દરમિયાન અરશદ અને સાથીઓએ ફાયરિંગ શરૂ કરતાં એસટીએફ દ્વારા પણ ફાયરિંગ કરાયંુ હતું. એએસપી બ્રિજેશ કુમારે જણાવ્યું હતું કે, ગોળીબારમાં ચાર બદમાશોને ગોળી વાગી હતી, જ્યારે એસટીએફ ઈન્સ્પેક્ટર સુનીલ કુમાર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બધાને હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં ડોક્ટરોએ ચારેય બદમાશોને મૃત જાહેર કર્યા છે.

મૃતક બદમાશોની ઓળખ એક લાખના ઈનામી અરશદ અને તેના ત્રણ સાથીઓ મનજીત, સતીશ અને એક અજાણ્યો વ્યક્તિ તરીકે થઈ છે. અરશદ વિરુદ્ધ લૂંટ અને હત્યાના એક ડઝન કેસ નોંધાયેલા છે. ઈન્સ્પેક્ટર સુનીલને પહેલા કરનાલની અમૃતધારા હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાંથી ડોક્ટરોએ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં રીફર કર્યા છે. ઘટનાની માહિતી મળતાં વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. બદમાશો પાસેથી દેશી બનાવટની કાર્બાઇન સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution